વહેલા નિદાનથી સ્તન કેન્સરથી બચી શકાય
મહિલાઓ વચ્ચે સ્તનનું કેન્સર સૌથી વધુ જોવા મળે છે, જેના કારણે દર વર્ષે 2.1 મિલિયન મહિલાઓ તેનો ભોગ બને છે. મહિલાઓ વચ્ચે કેન્સરને કારણે થતાં મૃત્યુઓનું પ્રમાણ વધારે છે અને એક અંદાજ મૂજબ વર્ષ 2018માં સ્તન કેન્સરને કારણે 6,27,000 મહિલાઓનું મૃત્યુ થયું હતું, જે મહિલાઓમાં તમામ પ્રકારનાં કેન્સરને કારણે થતાં મૃત્યુમાં 15 ટકા હિસ્સો ધરાવતું હતું.
ગ્લોબોકોનડેટા 2018નાં જણાવ્યા મુજબ, ભારતમાં 87090 મહિલાઓનું મૃત્યુ સ્તન કેન્સરને કારણે થાય છે. એકંદરે દર 28 મહિલાઓમાંથી 1 મહિલામાં તેમના જીવનકાળ દરમિયાન સ્તન કેન્સર થવાની શક્યતા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ, ભારતીય મહિલાઓમાં દર 100,000 મહિલાદીઠ 25.8 મહિલાઓને સ્તન કેન્સર થાય છે અને દર 100,000 મહિલાદીઠ 12.7 મહિલાઓનું મૃત્યુ આ કેન્સરને કારણે થાય છે એટલે ભારતીય મહિલાઓ વચ્ચે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ખુબજ ઉંચું છે. એક અંદાજ મુજબ, દેશમાં ઓછામાં ઓછી 17,97,900 મહિલાઓને વર્ષ 2020 સુધીમાં સ્તન કેન્સરનો ભોગ બનશે.
મહિલાઓમાં થતાં કુલ કેન્સરમાં આશરે 40 ટકા હિસ્સો સ્તન કેન્સર અને ગરદનનાં કેન્સરનો છે. ગુજરાતમાં તાજેતરના આંકડા મુજબ, સ્તનનું કેન્સર મહિલાઓમાં મૃત્યુનું મુખ્ય કારણ છે અને અમદાવાદમાં વર્ષ 2014માં મહિલાઓમાં થતાં તમામ પ્રકારનાં કેન્સરમાં 31.5 ટકા હિસ્સો સ્તન કેન્સરનો હતો.
થોડાં દાયકા અગાઉ પચાસ વર્ષની વય પછી સ્તનનું કેન્સર સામાન્ય હતું, અને આ રોગથી પીડિત યુવાન મહિલાઓની સંખ્યા ઓછી હતી. લગભગ 65 ટકાથી 70 ટકા દર્દીઓની ઉંમર 50 વર્ષથી વધારે હતી, જ્યારે કે 30થી 35 ટકા મહિલાઓની ઉંમર 50 વર્ષથી ઓછી હતી.
જોકે, હાલના સમયમાં યુવા મહિલાઓમાં સ્તન કેન્સર સૌથી વધુ સામાન્ય છે. અપોલો હોસ્પિટલ્સ અમદાવાદનાં ડૉ. ___ એ કહ્યું હતું કે, “લગભગ 50 ટકા કેસો 25થી 50 વર્ષની વયજૂથની મહિલાઓમાં જોવા મળે છે. સ્તન કેન્સર નાની વયે થવાનું મુખ્ય કારણો પૈકીનું એક કારણ આનુવંશિકતા અને ફેમિલી હિસ્ટ્રી છે. સ્તન કેન્સરથી પીડિત માતા, બહેન કે દિકરી ધરાવતી મહિલામાં આ કેન્સર થવાનું જોખમ બમણું હોય છે. વહેલાસર માસિક, મોડી ઉંમરે મોનોપોઝ જેવા જીવનશૈલી સંબંધિત પરિવર્તનો તથા નિઃસંતાન કે ઓછાં બાળકો અને સ્તનપાન ન કરાવવાની વૃત્તિ વહેલાસર સ્તન કેન્સર તરફ દોરી શકે છે.”
વહેલાસર નિદાન – સફળ સારવારની ચાવીઃ
ડૉ. ___ એ ઉમેર્યું હતું કે, “જ્યારે આરોગ્યની વાત આવે ત્યારે મહિલાઓએ વધારે જાગૃત થવાની જરૂર છે. બગલ અને સ્તનમાં ગાંઠનું સ્વપરીક્ષણ, સ્તનનાં આકારમાં નોંધપાત્ર ફેરફારની ઓળખ કરવાથી વહેલાસર નિદાન કરી શકાય છે, જે કેન્સરની અસરકારક સારવાર માટે સક્ષમ બનાવે છે. દર બે વર્ષે હેલ્થ ચેક-અપ કરાવવું સલાહભર્યું છે. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિને ઉપરોક્ત લક્ષણો જણાય તો ડૉક્ટરની સલાહ લેવામાં ખચકાટ ન અનુભવવો જોઈએ.”
સ્તન કેન્સરની શંકાનું સમાધાન કરવા માટે મેમ્મોગ્રામ અને બાયોપ્સી જેવા પરીક્ષણો નિયમિતપણે હાથ ધરવામાં આવે છે. સ્તન કેન્સર માટે સારવારમાં સર્જરી, કીમોથેરપી, હોર્મોનલ થેરપી, બાયોલોજિકલ થેરપી અને રેડિયેશન થેરપી સામેલ છે. સારવારનો નિર્ણય કેન્સરનાં સ્ટેજ અને પ્રકાર પર લેવાય છે.