કેન્સરની સારવાર સાથે આટલી સમજણ જરૂરી
કેન્સર 250 પ્રકારના હોય છે, તેના વિવિધ તબક્કા હોય છે અને ઘણાં દર્દીઓમાં અન્ય રોગ/ઉંમર/તંદુરસ્તી વગેરે પરિબળો પણ કામ કરતાં હોય છે.
મુખ્યત્વે એકવાર કેન્સરનું નિદાન થાય અથવા કેન્સરની શક્યતા જણાય, તે પછીનું અગત્યનું કદમ છે દર્દી અને ગાંઠ સંબંધી તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવું. કોઈપણ મોટા કામની શરૂઆત કરતાં પહેલા ચોક્ક્સાઈ પૂર્વકનું આયોજન ખૂબ જરૂરી છે અને આ વાત કેન્સરની સારવારમાં પણ લાગુ પડે છે. આ આયોજન પાછળ પૂરતો સમય, શક્તિ અને ખર્ચ આપવા એ અગત્યનું છે.
સદભાગ્યે મોટાભાગના કેન્સરમાં બાયોપ્સીના પ્રારંભિક રિપોર્ટ પછી પણ 3-4 સપ્તાહ રાહ આરામથી જોઈ શકાય છે. આનો અર્થ એવો નથી કે નિદાન થયા પછી 3-4 સપ્તાહ સુધી કંઈ કરવું નહીં. પરંતુ આનો અર્થ એવો છે કે કેન્સરની સારવાર કરનાર સર્જન, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, રેડિએશન ઓન્કોલોજિસ્ટ કિમોથેરાપી અને ડોક્ટરોનો અભિપ્રાય લઈ શક્ય એટલી જલદી સારવાર શરૂ કરવી. એટલે કે અઠવાડિયામાં થઈ શકે તો તેમ અને જો તે શક્ય ન હોય તો પણ 3-4 અઠવાડિયાથી વધુ મોડું તો ન જ કરવું.
ઘણા ભારતીય લોકોમાં એવી ગેરસમજ પ્રવર્તે છે કે બાયોપ્સીથી કેન્સર પ્રસરે છે. પણ વાસ્તવમાં એવું નથી. મોટાભાગના લોકો જાણે છે કે યુએસએ/યુરોપમાં નિદાનથી લઈને સારવાર શરૂ કરતાં સુધીમાં 3-6 અઠવાડિયા સરળતાથી નીકળી જાય છે અને છતાં તેમનાં પરિણામો બહેતર છે. એનું કારણ એ છે કે સારવારના આયોજનમાં પૂરતો સમય, સાધનો અને નિપૂણતા છે.
મૂલ્યાંકનના મુખ્ય પાસાં
ઓન્કોલોજિસ્ટ કેન્સર નિષ્ણાતે કોઈપણ દર્દીની સારવારનો પ્લાન નક્કી કરતાં અગાઉ નીચેના વિષે ધ્યાન રાખવું ઘટે.
કેન્સર 250 પ્રકારના હોય છે, એ દરેક તબક્કા વિવિધ હોય છે અને ઘણાં દર્દીઓમાં અન્ય રોગ/ઉંમર/તંદુરસ્તી વગેરે પરિબળો પણ કામ કરતાં હોય છે. એથી એવું નથી કે સારવારનો કોઈ એક પ્લાન બધા દર્દીને બંધબેસતો હોય. અગત્યના મુદ્દા જોઈએ તો :-
- નિદાન મોટાભાગના કેન્સરમાં નિદાન કરવા માટે બાયોપ્સી જરૂરી છે. જે સિટી સ્કેન/એમઆરઆઈ/પીઈટી સ્કેન દૃઢપણે કેન્સર હોવાનુ જણાવે તો પણ બાયોપ્સી કરાવવી જરૂરી છે. બાયોપ્સી માત્ર કેન્સર નિર્ધારિત કરવા માટે જ થતી નથી. એનાથી કેન્સરના વિવિધ પ્રકારો, એની ખાસિયતોની જાણ થાય છે. દા.ત. સિટી સ્કેનમાં ફેફસાંની ગાંઠ દેખાઈ, તે બાયોપ્સીથી જાણી શકાય છે કે એ સ્મોલ સ્કેલ કેન્સર છે કે એડિનોકાર્સીનોમા. બન્નેની સારવાર સાવ જ જુદી રીતે થાય છે.
આ એડિનોકાર્સિનોમાં, એ ઈજીએફઆર પોઝિટિવ હોઈ શકે, અથવા એએલકે પોઝિટિવ હોઈ શકે તે વિશિષ્ટ પરીક્ષણો દ્વારા ખબર પડે. એ બન્નેની સારવાર પણ સાવ જ જુદી રીતે થાય છે. હવે તો બીજા ઘણાં કેન્સરમાં પણ આવી જટિલતા જોવા મળે છે. હવે તો બીજા ઘણાં કેન્સરમાં પણ આવી જટિલતા જોવા મળે છે.
એક અન્ય જાણીતું કેન્સર છે સ્તન કેન્સર. ઈ.આર પોઝિટિવ કે એચ.એ.આર-2પોઝીટીવ અથવા ટ્રિપલ નેગેટિવ કેન્સર ત્રણેયની સારવાર અલગ રીતે થાય છે. સિટી સ્કેન કે બાયોપ્સીમાં ત્રણેય સરખા જ દેખાય છે.
- સ્ટેજ નક્કી કરવું
સાદી ભાષામાં એનો અર્થ રોગનું પ્રસરણ એવો થાય છે. એના માટે ઉપલબ્ધ પરીક્ષણોમાં વિવિધ પ્રકારના સ્કેન્સ, એન્ડોસ્કોપી વગેરેનો સમાવેશ થાય છે. કયા પરીક્ષણો કરવાં તે કેન્સરના પ્રકાર અને શારીરિક તપાસ પર આધાર રાખે છે. દા.ત. સ્તન કેન્સરના શરૂઆતના સ્ટેજમાં માત્ર છાતીનો એક્સ રે પૂરતો છે. પણ ત્રીજા સ્ટેજમાં પીઈટી-સિટી સ્કેનની જરૂર પડે છે.
કેટલાંક કેન્સરમાં પહેલાથી જ ચોથું સ્ટેજ હોવાની શક્યતા વધારે હોય છે. જેમકે ફેફસાં, અન્નનળી, જઠર આવા કેન્સર માટે શરૂઆતમાં જ પીઈટી-સિટી સ્કેન ની ખાસ ભલામણ કરવામાં આવે છે જેથી ચોથું સ્ટેજ ખબર પડે.
કેટલાંક પ્રસંગે, પીઈટી-સિટી સ્કેન દર્દીને અપસ્ટેજ કરે છે, (દા.ત. રેગ્યુલર સિટી સ્કેનમાં ફેફસાંનું કેન્સર ત્રીજા તબક્કાનું લાગે, પણ ખરેખર ચોથા તબક્કાનું હોય) આવા કેસમાં દર્દી નિરર્થક પ્રક્રિયા (જેમ કે મોટું ઓપરેશન અથવા રેડિયોથેરાપી)થી બચી શકે છે, કારણ કે ચોથા સ્ટેજમાં ઓપરેશન કે રેડિયેશન ભાગ્યે જ કામ લાગે છે.
કેટલાંક દર્દીઓને પીઈટી-સ્કેન અને એમઆરઆઈ બન્નેની જરૂર પડે છે. કેટલાંકને માત્ર એમઆરઆઈની, જેમકે જીભના શરૂઆતના સ્ટેજના કેન્સમરાં થાય છે. કેટલાકને માત્ર સોનોગ્રાફીની જરૂર પડે છે. કોઈ સ્પેશિયલ સ્કેનની નહીં. પીઈટી-સિટી સ્કેન હોજકિન્સ લિમ્ફોમા જેવા કેટલાક કેન્સર માટે પણ અગત્યનું છે, જેમાં એની વધારાની ભૂમિકા પણ છે.
અહીં (સ્ટેજને આધારે), જો દર્દીને કિમોથેરાપીના બે કોર્સ પછી પીઈટી-સ્કેન નોર્મલ થઈ જાય છે તો વધુ કિમોથેરાપી ના આપવી પડે. એટલે કે છ ને બદલે માત્ર બે કોર્સ કિમોથેરાપીમાં સારવાર પૂરી થઈ જ જાય. દર્દી માટે આ કેટલી મોટી રાહતની વાત છે!
- અન્ય બીમારીઓનું પ્રમાણ (કો-મોરબિડિટીઝ)
યોગ્ય સારવાર પસંદ કરવા માટે આ બાબતનું પણ સારી રીતે મૂલ્યાંકન જરૂરી છે. દા.ત. નબળા હૃદયવાળા દર્દીનું મોટું ઓપરેશન થઈ ન શકે, એટલે કે એને બદલે રેડિયોથેરાપી આપવી સારી છે. ઉપરાંત, ડોક્સોરુબિસીન જેવી કેટલીક દવાઓ પણ ટાળવી જોઈએ. જો કિડની સામાન્ય ન હોય તો ઘણી દવાઓનાં ડોઝ ઓછા કરવા પડે અને કેટલીક બદલવી પડે જેમકે સિસ્પ્લાટિનની જગ્યાએ કાબ્રોપ્લાટીન. એ જ રીતે, ઘણી સારવારમાં સ્ટેરોઈડ્સના માધ્યમથી હાઈ ડોઝનો સમાવેશ થાય છે. જો દર્દીને ડાયાબિટીસ હોય તો લોહીમાં ગ્લુકોઝના કંટ્રોલ માટે સ્ટેરોઈડ્સ ઓછા પણ કરવા પડે. અન્ય રોગો પણ સારવાર માટેના નિર્ણયને અસર કરી શકે જેમ કે, નવી ઈમ્યુનોથેરાપી દવાઓ અમુક રોગવાળામા દર્દીઓને આપી શકાતી નથી.
- શારીરિક ક્ષમતા
દર્દીની તંદુરસ્તી માપવાનું આ એક સાદું પણ સક્ષમ માપ છે અને સારવારની પસંદગી તથા પ્રોગ્નોસિસ પર એની ઘણી અસરો છે. એમાં 0 થી 4 સુધીના તબક્કા પડે છે. દા.ત. 0, 1 તબક્કામાં મોટાભાગની કિમોથેરાપી દવા પૂરા ડોઝમાં સલામત રીતે આપી શકાય છે. પણ બીજા તબક્કામાં ઘટાડવી જરૂરી છે. ત્રીજા, ચોથા તબક્કામાં મોટાભાગની કિમોથેરાપી આપવી જોખમી છે.
આ જ રીતે એ પ્રોગ્નોસિસ માટેનું પણ પાવરફુલ માપ છે.
દા.ત. તાજું જ નિદાન થયું હોય એવા ફેફસાંનાં કેન્સરના ચોથા તબક્કાના દર્દીઓમાં કે જેઓ રોજ બે કિમી ચાલી શકે છે. (પીએસ સ્ટેજ 0), તે સરળતાથી એક વર્ષથી વધુ જીવે છે જ્યારે એવા જ સિટી સ્કેનવાળા પણ સ્ટ્રેચર પર આવેલા દર્દી (પીએસ સ્ટેજ 4) પાસે જિંદગીના માંડ થોડા અઠવાડિયા હોય છે.
- દર્દીની પસંદગી ( Patient’s choice)
ઘણાં કેસોમાં નિર્ણય કરવામાં દર્દીની પસંદગી પણ અગત્યની છે. દા.ત. સ્તન કેન્સરના દર્દીને પસંદ કરવા માટે બે પ્રકારના ઓપરેશનનો વિકલ્પ છે. સંપૂર્ણ અથવા આંશિક રીતે સ્તન દૂર કરવું. ઘણાં કિસ્સાઓમાં દર્દી પાસે ઓપરેશન અથવા રેડિયોથેરાપી (જેમ કે પ્રોસ્ટેટ,અન્નનળી) એમ બન્ને માટે વિકલ્પ હોય છે કારણ કે આવા કેસમાં બન્ને વિકલ્પના પરિણામ (case results) સરખા છે. તેમ છતાં ઘણાં કિસ્સામાં દર્દી અનુકૂળતા, આડઅસરોનો ડર, કેટલીક માન્યતા, ખર્ચ વગેરેના આધારે પસંદગી કરે છે. દર્દીની આ પસંદગીથી કેન્સરના નિયંત્રણનો દર પ્રમાણિત વિકલ્પ કરતાં ઓછા અથવા એથી પણ ઓછા પ્રમાણનો થાય છે. દર્દી જેટલું આને સમજી શકશે તેટલું તેની સાચી પસંદગી કરવાનો અધિકાર રહેશે, જેને કેન્સર નિષ્ણાત પણ માન આપશે.
- સામાજિક આર્થિક પરિબળો
કેટલીકવાર આ પરિબળો ઘણાં અગત્યનાં હોય છે. દા.ત. દર્દી એકલો રહેતો હોય અથવા હોસ્પિટલથી 500 કિમી દૂર રહેતો હોય તો એગ્રેસિવ કિમોથેરાપીનો વિકલ્પ યોગ્ય ન હોય શકે. રોગની ઓછી સમજણવાળા (અહીં શિક્ષણની વાત નથી) અને ફોલોઅપની નબળી ક્ષમતાવાળા દર્દી માટે આને વધુ સરળ બનાવવા પ્લાન મોડિફાઈ કરવાની જરૂર પડે છે. એ જ રીતે દર્દીઓ સારવારના ખર્ચને આધારે મુસાફરી ખર્ચ અને અન્ય વાહનવ્યવહાર વગેરેના ખર્ચના આધારે સારવારનો વિકલ્પ પસંદ કરી શકે છે. દર્દી ખર્ચના તફાવતના કારણે ( એ ખર્ચ સાથે ગુણવત્તા હોવી) એ જ સારવાર માટે જુદુ શહેર, હોસ્પિટલ કે ડોક્ટર પસંદ કરી શકે છે. આ બાબત યુએસએ/યુરોપ જેવા સૌથી વિકસિત શહેરોમાં પણ દર્દીઓ માટે અગત્યની છે.